Friday, April 1, 2011

“સવાલ”

આંખ જ્યાં મીંચાય ત્યારે થાય અંધારું તરત,
આંખ એમજ ખોલતા અજવાળું થતું હોત તો.     – હર્ષ બ્રાહ્મભટ્ટ

માણસ એક એવું પ્રાણી છે, જે સતત વિચાર કરી કરી ને પોતાની જાત સાથે લડતું જગડતું રહે છે અને જીંદગી ના અનેક જાળાઓ માં ગુચવાયા છતા પણ બહાર નીકળતું રહે છે. ઉપરોક્ત ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચીએ તો કવિ કલ્પના વિશે કેહવા માંગે છે.......કલ્પના કરવી એ એક ખુબજ અગત્ય ની વસ્તુ છે. આપણને ખબર છે કે જે વસ્તુ શક્ય જ નથી તે વિચારી ને શું મતલબ છે, કે તેની પાછળ સમય વેડફી ને શો ફાયદો છે? પણ કલ્પના કરવી એ એક એવી અનુભૂતિ છે કે જેના દ્વારા તમે વાસ્તવિકતા ને છોડી કાલ્પનિક યુગ માં પ્રવેશી શકશો.

કોઈ પણ ક્ષેત્ર માં જો તમારે એક છાપ છોડવી હોય તો એ કલ્પના(Concept) ખુબજ જરૂરી છે. હું જો મારા ક્ષેત્ર Urban Design ને અનુલક્ષીને ને વાત કરું તો કલ્પના એટલે  કે Concept(એક વિચાર). એક એવો વિચાર કે જે પગતળે થી જમીન ને ખસકાવી દે, કે જે શરીર ના તમામ રૂવાંટા ઉભા કરી દે, કે જે આંખો ને ભીની કરવા પર મજબૂર કરી દે.

જરૂરી નથી કે આપણે જે વિચારીએ છીએ તેનું તેજ આવતા સમય માં થાય. આપના વિચાર માં જો એટલી શુદ્ધતા અને મક્કમતા હશે તો એનું જો અડધું પણ થશે તો એ આખા થયા બરાબર કહેવાશે. એટલા માટે કોઈ પણ કામ કરતા પેહલા એક કલ્પના ખુબજ જરૂરી છે. આપણે આ દુનિયા માં કઈ રેલગાડી ના ડબ્બા ની માફક એક ની પાછળ એક એમ જોડાઈ ને એકજ પાટા પર ચાલવા માટે નથી આવ્યા, આપણે આ પાટાઓ ને તોડી ને એક નવા રસ્તાની શોધ કરવાની છે, અને આ રસ્તા ની શોધ ત્યારેજ થશે જયારે કલ્પના તમારી સાથે હશે.

કામ પૂરું કરવું છે કે પછી સારી રીતે પૂરું કરવું છે એ તો કોઈ પણ કરી શકે છે, પણ આપણે અહિયા કંઇક અલગજ વાત કરી રહયા છીએ. કામ ને એક અલગજ પાંખો આપીએ કે જેથી એ આખા વિશ્વ માં ઉડી ઉડી ને તમારું નામ ગર્વ થી લેવા લોકો ને મજબૂર કરી દે.

કલ્પના-Concept-એક વિચાર....એ લાવવો તમે માનો છો તેટલી સેહલી વાત નથી કંઈ. આના માટે ઘ્રોર પરીશ્રમ, નિશ્ચય, અડગતા અને આ બધાથી વિશેષ છે જે આ દુનિયા માં ચાલી રહ્યું છે તેને સમજવાની ઈચ્છા.
કલ્પના નો આધાર છે તમારી સવાલો પૂછવાની ક્ષમતા પર છે, કયો સવાલ ક્યારે, કોને, કેવીરીતે અને શા માટે પૂછવો એનું જો તમને રહસ્ય સમજાય જશે તો તમારા આ કલ્પના ને પામવાના દરવાજા ખુલા થઇ જશે. જે વસ્તુ છે એ શા માટે આવી છે? એનો જો જવાબ તમને મળી જશે અને હું તો કહું છુ કે સાચો જવાબ પણ નહિ ખાલી સવાલ પણ સાચો મળી જશે તો પણ જીવન ધન્ય થઈ જશે.
ટૂંક માં....
ખાઈ પી ને ઊંધવું એ કઈ નવી વાત નથી,
જિંદગીમાં કેંક આ ઉપરાંત પણ થવું જોઇયે.   – કિરણકુમાર ચૌહાણ

આ કૈક ઉપરાંત જેવું જયારે બને છે ત્યારે કલ્પના મળે છે
માટે તમારા અંદર છુપાઈ રહેલા આ વિચાર ને બહાર લાવવા માટેની જો કોઈ ચાવી હોઈ તો એ છે “સવાલ”
સવાલ પૂછવો એ માનવી નો જન્મસિદ્ધિ અધિકાર છે અને આપણે એજ ભૂલી ગયા છીએ.....

આપણે બસ જે ચાલે છે તે ચાલવાજ દઈએ છીએ અને આપણે ખુદ પણ તેની સાથે જોડાઈ જઈએ છીએ. સવાલ પૂછવા માટે તે વળી ડર શાનો? બહુ તો બહુ સવાલ નો જવાબ નહિ મળે બસ ને, પણ જો એ સવાલ પૂછાશે જ નહિ તો જિંદગી જ મોટો સવાલ બની જશે.

No comments:

Post a Comment